Advertisement

વડોદરા: કોટણા બીચ પર રવિવારની મજા સજામાં ફેરવાઈ, મહીસાગર નદીમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી મોત

વડોદરા: કોટણા બીચ પર રવિવારની મજા સજામાં ફેરવાઈ, મહીસાગર નદીમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી મોત

વડોદરા: વડોદરા નજીક પ્રખ્યાત પિકનિક સ્પોટ ગણાતા કોટણા બીચ પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. મહીસાગર નદીમાં નાહવા પડેલા વડોદરાના મિત્રોના ગ્રુપમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.


 પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના દાંડિયા બજાર અને કારેલીબાગ વિસ્તારમાં રહેતા મિત્રોનું એક ગ્રુપ રજાની મજા માણવા માટે કોટણા બીચ પર ગયું હતું. સવારના સમયે તમામ મિત્રો નદીના કિનારે મોજ-મસ્તી કરી રહ્યા હતા અને નદીના પાણીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન અચાનક બે યુવકો નદીના ઊંડા ધરામાં ખેંચાવા લાગ્યા હતા. મિત્રોને ડૂબતા જોઈ અન્ય સાથીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ જોતજોતામાં બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


 ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની વડીવાડી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક યુવકોમાં ૨૨ વર્ષીય કૃષ્ણા રાજપૂત (રહે. દાંડિયા બજાર) અને ૨૩ વર્ષીય જય જોગલેકર (રહે. કારેલીબાગ) હોવાનું સામે આવ્યું છે.


પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોટણા બીચ પર અવારનવાર બનતી ડૂબી જવાની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ નદીના ઊંડા પાણીમાં ન ઉતરવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement