Advertisement

વડોદરા કોર્પોરેશન ચૂંટણી: ભાજપમાં ઉમેદવારો માટે બીજા દિવસે પણ સેન્સ પ્રક્રિયા યથાવત, અંતિમ યાદી હવે પ્રદેશ સમિતિ પાસે

વડોદરા:વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સમગ્ર મામલો અંતિમ નિર્ણય માટે પ્રદેશ સમિતિ સુધી પહોંચશે.


વડોદરામાં ચારેય ઝોનના વિવિધ સ્થળોએ યોજાયેલા મેળાવડામાં ભાજપની ટિકિટ મેળવવા ઇચ્છુક કાર્યકરો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાલિકાના દરેક વોર્ડ માટે 100થી વધુ દાવેદારો ઉપસ્થિત રહેતા ભારે ભીડ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા જાળવવા ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી.


મેળાવડામાં હાજર તમામ દાવેદારો પોતાના બાયોડેટા સાથે હાજર રહ્યા હતા. ગઈકાલે મોડી રાત સુધી દાવેદારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી અને આજે બીજા દિવસે પણ સવારે વહેલી શરૂઆતથી જ કાર્યકરોની હાજરી નોંધાઈ હતી. અંદાજે ચારસો જેટલા કાર્યકરો આ પ્રક્રિયામાં જોડાયા હોવાનું જાણવા મળે છે.


સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોના આગમન પહેલાં જ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખો પર ચોક્કસ નામો આપવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ પગલાં પાછળનું કારણ શું હોઈ શકે તે મુદ્દે ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ પણ તેજ બની છે.


આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોની અંતિમ પસંદગી અંગેનો નિર્ણય ભાજપની પ્રદેશ સમિતિ દ્વારા લેવામાં આવશે.

Advertisement