Advertisement

વડોદરા ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10 માળની ઇમારત ઝપેટમાં; મેજર કોલ જાહેર

વડોદરા ગોત્રીમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ, 10 માળની ઇમારત ઝપેટમાં; મેજર કોલ જાહેર

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે (15 એપ્રિલ) એક ગંભીર આગની ઘટના સામે આવી છે. ઇસ્કોન હાઈટ્સ નામની બહુમાળી રહેણાંક ઇમારતમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા આખી 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


આ ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરી મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો અને ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે ખડેપગે મુકવામાં આવ્યા છે. રહેણાંક બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. આગના કારણ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ આગ પર કાબૂ મેળવવા માટે હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. પોલીસ દળ પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યું છે અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ તંત્રની પ્રથમ પ્રાથમિકતા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અને આગને વધુ ફેલાતી અટકાવવાની છે.

Advertisement