વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ

વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ

વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ

વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં આખરે 22 મહિનામાં પીડિતાને ન્યાય મળ્યો છે. પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.

કોર્ટે સજા સંભળાવતા નોંધ્યું કે, નવરાત્રિ જેવા પવિત્ર તહેવાર દરમિયાન સગીરા સાથે ગેંગરેપ જેવું જઘન્ય કૃત્ય કોઈપણ સંજોગોમાં સાંખી ન શકાય.

પાંચેય આરોપીઓને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પીડિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

આ ઘટના 2024માં બીજા નોરતાની રાત્રે બની હતી. સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. બંને બેઠા હતા ત્યારે પાંચ શખસો ત્યાં આવ્યા અને સગીરા સાથે અડપલાં કર્યા બાદ ત્રણ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસમાં ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે બે આરોપીઓએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી. બનાવ બાદ આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને પુરાવાનો નાશ કરવા મોબાઈલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો.

પોલીસ અને SITએ CCTV, મેડિકલ પુરાવા, FSL અને DNA સહિતના અનેક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ સમક્ષ તમામ સંયોગિક પુરાવાની કડીઓ શંકાથી પર સાબિત થતાં પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા.

ખાસ વાત એ છે કે વડોદરામાં પ્રથમવાર એકસાથે પાંચ આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે.

સજા સંભળાવવા જજ બપોરે 1:40 વાગ્યે કોર્ટ રૂમમાં આવ્યા અને માત્ર 8 મિનિટમાં, 1:48 વાગ્યે સજાનું એલાન કર્યું. સજા સમયે પાંચેય આરોપીઓ જજ સામે જોતા રહ્યા.