બનાસકાંઠા: જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ભારે ગરમાયો છે. એક તરફ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ચૂંટણીમાં લોભ-લાલચ આપતા નેતાઓ સામે સામાજિક સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રજાના પાયાના પ્રશ્નો અને આત્મસન્માન મુદ્દે સ્થાનિકો મેદાને આવતા રાજકીય પક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વાવ તાલુકાના વાસરડા ગામે દેવપુરાથી સુઈગામ તરફ જતી નવીન કેનાલના કામ મુદ્દે 22 ગામોના ખેડૂતોએ તંત્ર અને સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2022માં મંજૂર થયેલું કેનાલનું કામ 2026 નું વર્ષ ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી. છેલ્લા ઘણા વર્ષોથી કેનાલ અધૂરી રહેતા હજારો એકર જમીનમાં સિંચાઈના પાણીના અભાવે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હોવાનો રોષ ઠાલવવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. વાસરડા ખાતે એકત્રિત થયેલા હજારો ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ચીમકી આપી છે કે, "જો ચૂંટણી પહેલા કેનાલનું કામ પૂર્ણ કરી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આ તમામ 22 ગામોના મતદારો આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે." ખેડૂતોના આ આક્રમક વલણને કારણે મતો માંગવા આવતા નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે.
ચૂંટણીના આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના એક યુવા આગેવાનનો વીડિયો વાયરલ થયો છે, જેણે રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ રાજકીય નેતા કે પક્ષ ઠાકોર સમાજના લોકોને દારૂ, નાણાં કે અન્ય કોઈપણ પ્રકારની લોભ-લાલચ આપીને છેતરવાનો પ્રયાસ કરશે, તો તેમને 'લેબડે (લીમડે) બાંધીને' સબક શીખવાડવામાં આવશે. સમાજે પોતાના આત્મસન્માનનો પરિચય આપતા જણાવ્યું છે કે તેમને કલમની સાથે વર્ષોથી કટાર ચલાવતા પણ આવડે છે.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સમગ્ર સમાજ સતર્ક રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આમ, વાવ-થરાદ પંથકમાં આ વખતે ચૂંટણી માત્ર રાજકીય પક્ષો વચ્ચેનો જંગ નહીં, પરંતુ પ્રજાના પાયાના પ્રશ્નો અને ખુદ્દારીની લડાઈ બની ચૂકી છે.