વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની અનેક ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગ એક ગોડાઉનમાંથી શરૂ થઈ હતી અને પળોમાં આસપાસના ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી. જ્વાળાઓ એટલી ભયાનક હતી કે દૂર સુધી દેખાતી હતી. રહેણાંક વિસ્તાર નજીક આગ ફેલાતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની ગંભીરતા જોતા વાપી સહિત દમણ અને સેલવાસમાંથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. આ સાથે જ ગેરકાયદે ભંગાર ગોડાઉનો અંગે તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આવા જોખમી ગોડાઉનો રહેણાંક વિસ્તારમાં ચાલતા હોવા છતાં પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી.