આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વાળંદાપુરા ગામની સીમમાંથી 4.75 લાખ રૂપિયાની કિંમતના 9 કિલોમીટર લાંબા વીજ વાયરોની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરો વીજ લાઈનમાંથી એલ્યુમિનિયમના વાયરો કાપીને ફરાર થઈ ગયા હતા. તારાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના ગત 25મી ડિસેમ્બરના રોજ બની હતી. વાળંદાપુરા ગામની સીમમાં આવેલા ખેતરના માલિક દીપુભાઈ ફુલાભાઈ ચૌહાણે જેટકોના નાયબ ઈજનેર કૃણાલ અમરીશભાઈ ગજ્જરને ફોન કરીને જાણ કરી હતી કે, તેમના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના વાયરોની ચોરી થઈ છે. આ ચોરીના કારણે ઘઉંના પાકને પણ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
દીપુભાઈની જાણ બાદ નાયબ ઈજનેર કૃણાલ ગજ્જર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જેટકોની 400 કેવી અમરેલી-કાસોર લાઈનના ટાવર નંબર 57/11 થી 58/02 વચ્ચેના ફેઝના એસીએસઆર મુસ કંડક્ટરમાંથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી થઈ હતી. ચોરાયેલા વાયરોની કુલ લંબાઈ આશરે 9 કિલોમીટર અને તેની અંદાજિત કિંમત 4.75 લાખ રૂપિયા છે.
આ ઘટના બાદ અન્ય કોઈ સ્થળે ચોરી થઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. શરૂઆતમાં તારાપુર પોલીસ મથકે આ અંગે અરજી આપવામાં આવી હતી. જોકે, દોઢ મહિનાના વિલંબ બાદ હવે તારાપુર પોલીસ મથકે આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.