વંદે માતરમના માત્ર બે અંતરા… અને પછી અટક્યું રેકોર્ડિંગ!
કર્ણાટક વિધાનસભામાં સોમવારે એવું કંઈક થયું કે રાજકીય ગરમાવો જોવા મળ્યો.
કર્ણાટક વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે વંદે માતરમનું રેકોર્ડિંગ માત્ર બે અંતરા બાદ જ બંધ કરી દેવામાં આવ્યું.
રેકોર્ડિંગ બંધ થતાં જ BJPના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો અને બાકીના ચાર અંતરા પોતે ગાઈને પૂર્ણ કર્યા.
વિધાનસભામાં જ BJPના સભ્યોએ આખું વંદે માતરમ ગાયું અને ત્યારબાદ સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી.
હવે સવાલ એ છે કે બે અંતરા બાદ જ વંદે માતરમ કેમ રોકાયું?
હકીકતમાં કર્ણાટક સરકારે સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમના પ્રથમ બે અંતરા ગાવાનો નિર્ણય કર્યો છે.
આ જ નિર્ણય અંતર્ગત વિધાનસભા અને વિધાન પરિષદમાં પણ બે અંતરા બાદ રેકોર્ડિંગ બંધ કરવામાં આવ્યું.
જોકે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા રાજ્યપાલ હાજર હોય તેવા કાર્યક્રમોમાં આ નિયમ લાગુ નહીં પડે.
બીજી તરફ, આ સમગ્ર મામલો કેન્દ્રના નિર્દેશો બાદ વધુ ચર્ચામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 9 જુલાઈએ સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' સાથે વંદે માતરમના તમામ છ પદ ગાવા અંગે નિર્દેશ આપ્યો હતો.
ત્યારબાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 19 ઓગસ્ટે 1937ના પોતાના ઠરાવનું પાલન કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં વંદે માતરમના બે અંતરા ગાવાની પરંપરા નક્કી કરવામાં આવી હતી.
અને હવે કર્ણાટક વિધાનસભામાં બે અંતરા બાદ રેકોર્ડિંગ બંધ થવાથી શરૂ થયેલો આ વિવાદ રાજકીય રીતે પણ ગરમાયો છે.
એક તરફ સરકારનો બે અંતરાનો નિર્ણય…
તો બીજી તરફ BJPનો આખું વંદે માતરમ ગાઈને વિરોધ!
હવે જોવાનું એ રહેશે કે વંદે માતરમના અંતરાને લઈને શરૂ થયેલો આ વિવાદ આગળ કેટલો ઉગ્ર બને છે.