ઉત્તરસંડામાં પ્રદૂષણ પર લાલ આંખ! બાયો મેડિકલ પ્લાન્ટને ક્લોઝર નોટિસ
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના ઉત્તરસંડા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વિવાદમાં રહેલી 'હેઝાક્લિન બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' કંપની સામે આખરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓના વિરોધ બાદ ગાંધીનગરની ટીમે કરેલી તપાસમાં કંપની દ્વારા પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ઇન્સિનેરેટરમાંથી નીકળતા કાળા ધુમાડા અને પ્રદૂષણની માત્રા ભયજનક જણાતા જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને ૩૦ દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ આપ્યો છે. જોકે, ભૂતકાળમાં પણ આવી નોટિસો આપીને કંપની ફરી ચાલુ કરી દેવામાં આવતી હોવાથી ગ્રામજનો આ વખતે માત્ર નોટિસથી સંતુષ્ટ નથી અને કાયમી ધોરણે પ્લાન્ટ બંધ કરાવવા માંગણી કરી રહ્યાં છે.
ઉત્તરસંડા ખાતે આવેલી 'હેઝાક્લિન બાયો મેડિકલ વેસ્ટ' કંપની સામે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ ફરિયાદોના અનુસંધાને જીપીસીબીની પ્રાદેશિક કચેરી, નડિયાદ દ્વારા તારીખ ૨૧-૧૧-૨૦૨૫ના રોજ કંપનીના પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પ્લાન્ટના ઇન્સિનેરેટર સાથે જોડાયેલા સ્ટેકમાંથી નીકળતા ધુમાડામાં રજકણોનું પ્રમાણ ૧૧૧૩ એમજી/એનએમ૩ મળી આવ્યું હતું, જે નિયત મર્યાદા કરતા અનેકગણું વધારે છે. આ ઉપરાંત પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા નીકળતા હતા અને બાયો મેડિકલ વેસ્ટના સ્ટોરેજ એરિયા નજીક અસહ્ય દુર્ગંધ ફેલાયેલી હોવાનું તપાસમાં નોંધાયું હતું. કંપની દ્વારા ઓનલાઈન મોનિટરીંગ સિસ્ટમનો કેલિબ્રેશન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો ન હતો. કંપનીની આ ગંભીર બેદરકારીને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.
બોર્ડ દ્વારા હવાના પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ-૧૯૮૧ની કલમ ૩૧(એ) હેઠળ કાર્યવાહી કરીને કંપનીને ક્લોઝર ડાયરેક્શન ઇશ્યુ કરવામાં આવી છે. આ હુકમ મુજબ કંપનીએ ૩૦ દિવસમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ બંધ કરવાની રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો વીજળી અને પાણીનું જોડાણ કાપી નાખવા સુધીના પગલાં લેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ૧ લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા પણ આદેશ કરાયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કંપનીને ભૂતકાળમાં પણ ત્રણથી ચાર વખત ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. દરેક વખતે કંપની થોડા દિવસ માટે કામગીરી બંધ રાખે છે અથવા તો દંડ ભરીને ફરીથી રાબેતા મુજબ ધમધમવા લાગે છે. વારંવાર કાયદાનો ભંગ કરતી આ કંપનીને માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે તેનું લાયસન્સ રદ કરીને કાયમી ધોરણે તાળા મારી દેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. જો તંત્ર દ્વારા આ વખતે પણ ભીનું સંકેલવાનો પ્રયાસ થશે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉત્તરસંડાના રહીશોએ ઉચ્ચારી છે.
પીએમ (પટક્યુલર મેટર - કણીય પદાર્થો) લેવલ 1113 એટલે શુદ્ધ ઝેર
સામાન્ય રીતે હવામાં પર્ટિક્યુલેટ મેટર અમુક મર્યાદામાં હોવું જોઈએ, પરંતુ 'હેઝાક્લિન'ના પ્લાન્ટમાં આ પ્રમાણ ૧૧૧૩ એમજી/એનએમ૩ નોંધાયું છે. આ આંકડો પર્યાવરણ સુરક્ષાના ધારાધોરણો કરતા અત્યંત ઊંચો અને જોખમી છે. આટલી ઊંચી માત્રામાં પ્રદૂષણ ઓકતી ચિમનીઓ આસપાસના રહીશોના ફેફસાંમાં સીધું ઝેર ઠાલવી રહી છે. તેમ છતાં અત્યાર સુધી આ કંપની બેરોકટોક કેવી રીતે ચાલતી હતી તે તપાસનો વિષય છે. તંત્રના પાપે હજારો લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે.
તંત્ર કામદારોના મેડિકલ ચેકઅપ કરાવાશે?
કંપનીમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય પ્રત્યે પણ કંપની ઘોર બેદરકારી દાખવી રહી હોવાનો આક્ષેપ કરાવમાં આવી રહ્યો છે. જીપીસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે, અહીં કામ કરતા કામદારોના ઈમ્યુનાઈઝેશનના કોઈ રેકોર્ડ નિભાવવામાં આવ્યા નથી. બાયોમેડિકલ વેસ્ટ જેવી જોખમી વસ્તુ સાથે કામ કરતા કામદારોને ચેપી રોગો થવાની શક્યતા સૌથી વધુ હોય છે, ત્યારે તેમના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હોવી તે માનવ અધિકારોનું પણ હનન છે.
ડાયોક્સિન અને ફ્યુરાન્સ જેવા કેન્સરકારક તત્વોનું મોનિટરીંગ જ ગાયબ
બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં સૌથી મોટું જોખમ ડાયોક્સિન અને ફ્યુરાન્સ જેવા ઝેરી તત્વોનું હોય છે, જે કેન્સર માટે જવાબદાર ગણાય છે. જીપીસીબીની ગાઈડલાઈન મુજબ, આ તત્વોનું નિયમિત મોનિટરીંગ થવું જોઈએ અને ઓટોક્લેવ માટે સ્પોર ટેસ્ટ થવા જોઈએ. પરંતુ હેઝાક્લિન કંપનીમાં આ અંગેની કોઈ પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાનું તપાસમાં ખુલ્યું છે.