ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ, તોફાની પવન અને આકાશી વીજળીના પ્રકોપે વ્યાપક નુકસાન સર્જ્યું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 24 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સાથે સાથે 16 પશુઓના પણ મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.
જનજીવન અસ્તવ્યસ્ત, ખેડૂતો પર સૌથી મોટો પ્રહાર
રાજ્યના અનેક જિલ્લાઓમાં તેજ પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ સર્જાતા જનજીવન સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બન્યું છે. ખાસ કરીને ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને કાચા મકાનોમાં રહેતા પરિવારો આ આપત્તિનો સૌથી વધુ ભોગ બન્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક આદેશ
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે મૃતકોના પરિવારજનોને 24 કલાકની અંદર વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે અને રાહત-બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે.
હવામાન વિભાગનું એલર્ટ, હજુ પણ ખતરો યથાવત
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની શક્યતા યથાવત છે. વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ખરાબ હવામાન દરમિયાન ખુલ્લા મેદાનો, ખેતરો તથા વૃક્ષો નીચે ન જવા અપીલ કરવામાં આવી છે.