વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે દરમિયાન સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ બનાસકાંઠાના વાવ-થરાદ પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ રૂ. 19,806. કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ઉત્તર ગુજરાતના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સથી સમગ્ર વિસ્તારમાં કનેક્ટિવિટી, ઉદ્યોગ અને રોજગારના નવા અવસર ઊભા થશે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે ઉત્તર ગુજરાતને માત્ર સૂકા પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકોને પાણી માટે લાંબા અંતર સુધી જવું પડતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, હાઇવે અને રેલવે સુવિધાઓના વિકાસથી પ્રદેશની સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે.
તેમણે સોલર એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની ભૂમિકા પર પણ ભાર મૂક્યો. વર્ષ 2010માં ચારણકા ખાતે શરૂ કરાયેલા દેશના પ્રથમ સોલર પાર્કનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે આજે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સાથે ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિશ્વના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
આ ઉપરાંત વડાપ્રધાને ડીસા એરબેઝના વ્યૂહાત્મક મહત્ત્વની પણ ચર્ચા કરી. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલો આ એરબેઝ દેશની સુરક્ષા માટે મહત્વનો મજબૂત આધાર બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી.
વિશ્વમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારત મજબૂત વિદેશ નીતિ અને દેશની એકતાના કારણે સ્થિર છે, એવું જણાવી વડાપ્રધાને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.