ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ સહિત પંજાબના અનેક શહેરોમાં લોકો ધ્રુજારી અનુભવતા ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. ભૂકંપની અસર ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપના આંચકાથી ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં લોકો ભયભીત બની ગયા હતા. કેટલાક વિસ્તારોમાં એક પછી એક બે આંચકા અનુભવાતા લોકો સુરક્ષાના ભાગરૂપે તરત જ ખુલ્લી જગ્યાઓ પર નીકળી આવ્યા હતા. તેવી જ રીતે દિલ્હી-NCR વિસ્તારમાં પણ ધ્રુજારી અનુભવાતા ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો તરત જ બિલ્ડિંગની બહાર આવી ગયા હતા. નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ લોકો થોડા સમય સુધી ઘરો અને ઓફિસોથી દૂર રહી સાવચેતી રાખતા જોવા મળ્યા હતા.
પંજાબના ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણા સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપની અસર નોંધાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી ક્યાંયથી પણ જાનહાનિ અથવા મોટા પ્રમાણમાં માલમત્તાના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવાની અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ પૃથ્વીની અંદર અનેક ટેક્ટોનિક પ્લેટ્સ સતત ગતિમાન રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે અથવા સરકે છે ત્યારે ઊર્જા બહાર નીકળે છે અને તેના પરિણામે ભૂકંપ સર્જાય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તે વિસ્તારને ફોલ્ટ ઝોન કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી તેની અસર વધુ ગંભીર બની શકે છે.
ભૂકંપની તીવ્રતા મુજબ તેની અસર અલગ-અલગ રીતે અનુભવાય છે. સામાન્ય રીતે 0 થી 1.9 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ માણસોને અનુભવાતો નથી અને તે માત્ર સિસ્મોગ્રાફ દ્વારા નોંધાય છે. 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે, જ્યારે 3 થી 3.9 સુધી પહોંચે ત્યારે થોડા વધારે આંચકા અનુભવાય છે. 4 થી 4.9 તીવ્રતા હોય ત્યારે બારીઓ અને નાજુક વસ્તુઓને નુકસાન થઈ શકે છે, જ્યારે 5 થી 5.9 તીવ્રતા પર ઘરનાં સામાન અને પંખા હલવા લાગે છે.
જો ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 વચ્ચે હોય તો મકાનોના પાયામાં તિરાડો પડી શકે છે અને 7 થી 7.9 સુધી પહોંચે ત્યારે મોટા પ્રમાણમાં મકાનોને નુકસાન થઈ શકે છે. જ્યારે 8 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે ભારે વિનાશ સર્જાઈ શકે છે અને સમુદ્ર વિસ્તારોમાં સુનામીનો ખતરો પણ ઉભો થઈ શકે છે.
ભૂકંપ સમયે લોકોને ગભરાવાના બદલે શાંતિ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ઈમારતની અંદર હોય તો મજબૂત ટેબલ અથવા ફર્નિચર નીચે આશરો લેવો જોઈએ. લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળવું અને શક્ય હોય તો સીડીઓ દ્વારા બહાર નીકળવું જોઈએ. તેમજ કાચની બારીઓ અને ભારે ફર્નિચરથી દૂર રહેવું પણ સલામતી માટે જરૂરી છે.