ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા-2025માં સફળતા મેળવનાર ગુજરાતના 35 યુવા ઉમેદવારોના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સફળ ઉમેદવારો અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે UPSCની આખી યાદીમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી ઉમેદવારનું નામ જોવા મળતું હતું, પરંતુ આજે ગુજરાતના 35 ઉમેદવારોએ સફળતા મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝન અને **સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)**માં કરવામાં આવેલા સુધારાઓના પરિણામે આજે રાજ્ય સરકાર સંચાલિત સંસ્થાઓમાંથી સૌથી વધુ ઉમેદવારો UPSCમાં સફળ થયા છે. તેમણે આ સિદ્ધિને ગુજરાતના યુવાનોની મહેનત અને રાજ્યની સકારાત્મક શૈક્ષણિક વ્યવસ્થાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
સફળ ઉમેદવારોને સંબોધતાં હર્ષ સંઘવીએ કહ્યું કે અધિકારી બન્યા પછી પણ જીવનમાં નમ્રતા અને જમીન સાથેનો સંબંધ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેદવારોને પોતાના મૂળને ક્યારેય ન ભૂલવા અને લોકોના દિલ જીતીને કામ કરવાની અપીલ કરી હતી. નામ અને હોદ્દો વધે તેમ લોકોનો વિશ્વાસ અને પ્રેમ પણ વધે તે રીતે કાર્ય કરવાની તેમણે સલાહ આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં જોવા મળતી વહીવટી સમસ્યાઓનો અભ્યાસ કરીને તેના પ્રાયોગિક ઉકેલો સરકાર સમક્ષ રજૂ કરવાની અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે યુવાનોના ઉપયોગી સૂચનોને સરકાર દ્વારા ગંભીરતાથી લઈને તેના અમલીકરણ માટે જરૂરી પગલાં ભરવામાં આવશે.
કાર્યક્રમમાં સ્પીપાના મેનેજિંગ ડિરેક્ટર અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે સિવિલ સર્વિસ માત્ર કારકિર્દી કે પ્રતિષ્ઠા મેળવવાનો માર્ગ નથી, પરંતુ નાગરિકોની સેવા કરવાનો શ્રેષ્ઠ અવસર છે. તેમણે ઉમેદવારોને આગામી 30થી 35 વર્ષ દેશ અને સમાજના વિકાસ માટે સમર્પિત કરવાની પ્રેરણા આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે અધિકારીઓએ શાસક નહીં પરંતુ જનસેવક તરીકે કાર્ય કરીને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
આ પ્રસંગે સ્પીપાના ડિરેક્ટર જનરલ હરિત શુક્લએ જણાવ્યું હતું કે સ્પીપામાંથી અત્યાર સુધી કુલ 348 ઉમેદવારો UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષામાં સફળ થયા છે. રાજ્ય સરકારના સહયોગથી ગાંધીનગરમાં ટૂંક સમયમાં વધુ એક નવું કેન્દ્ર શરૂ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર, સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ચંદ્રેશ કોટક સહિત સફળ ઉમેદવારો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.