ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘણા શહેરોના બજારોમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો ₹250 સુધી પહોંચી ગયો છે. માત્ર 10 દિવસના ગાળામાં લીંબુની કિંમતમાં ચાર ગણો વધારો થતાં સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ ઉનાળામાં લીંબુની માંગ વધી જાય છે, જ્યારે બજારમાં આવક ઓછી હોવાથી ભાવ ઝડપથી વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા સુધી લીંબુ ₹60 થી ₹70 પ્રતિ કિલો મળતા હતા, પરંતુ હવે ભાવ વધીને ₹200 થી ₹250 સુધી પહોંચી ગયા છે.
બીજી તરફ ગરમી વધતા લોકો શરબત, લીંબુ પાણી અને અન્ય ઠંડા પીણાંમાં લીંબુનો વધુ ઉપયોગ કરે છે, જેના કારણે માંગમાં પણ ભારે વધારો થયો છે. સપ્લાય ઓછો અને માંગ વધુ હોવાને કારણે બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.
વેપારીઓનું કહેવું છે કે જો આવકમાં વધારો નહીં થાય તો આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધુ વધારો પણ જોવા મળી શકે છે. જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે લીંબુ ખરીદવું મોંઘું સાબિત થઈ શકે છે.