ગુજરાતમાં ગત ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદના કારણે જળાશયો છલોછલ ભરાયા હતા અને નવેમ્બર અંતે રાજ્યમાં કુલ 96 ટકા અને સૌરાષ્ટ્રમાં 90 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો હતો. પરંતુ છેલ્લા ચાર મહિનામાં જ સ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો છે. શિયાળાના અંતે અને ઉનાળાની શરૂઆત સુધીમાં રાજ્યના જળસંગ્રહમાં 27 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 35 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 68.96 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 54.75 ટકા જ પાણી બચ્યું છે, જે ચિંતાજનક સંકેત છે.
ઉનાળાની વધતી માંગ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યના કુલ 207 ડેમોમાંથી 46 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી છે, જેમાંથી 18 ડેમોમાં તો 10 ટકાથી પણ ઓછું સંગ્રહ રહ્યો છે. ખાસ કરીને સાની, ઉંડ-2, મોરશલ, કૈલા, પ્રેમપરા, અમીપુર અને સરણ જેવા ડેમોમાં પાણી સંપૂર્ણ ખતમ થઈ જતા તેઓ મેદાન સમાન બની ગયા છે.
જિલ્લાવાર સ્થિતિ પણ ચિંતા વધારતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી અને જામનગરના ડેમોમાં અડધા જેટલું જ પાણી બાકી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 20 ટકા જ સંગ્રહ રહ્યો છે. અન્ય વિસ્તારોમાં નવસારી, સુરત, ખેડા અને બનાસકાંઠામાં પણ 50 ટકાથી ઓછું પાણી છે. સૌરાષ્ટ્રના મોટા શહેરો, ખાસ કરીને રાજકોટ, પાણી માટે નર્મદાના જળ પર નિર્ભર બન્યા છે.
સરદાર સરોવર ડેમમાં હાલ 73 ટકા જળસંગ્રહ છે, જે ચાર મહિના પહેલાં 96 ટકા કરતાં વધુ હતો. ગત ચોમાસે તમામ જળાશયો લગભગ 100 ટકા ભરાયા હતા, પરંતુ વધતી ગરમી, વધતી માંગ અને ક્લાઈમેટ ચેન્જને કારણે પાણી ઝડપથી ઘટી રહ્યું છે. નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે સ્થાનિક જળસ્રોતો જેવી કે કૂવા, બોર, તળાવ અને નદીઓની અવગણના તથા પાણીનો અતિરેક ઉપયોગ આવનારા સમયમાં ગંભીર પાણી સંકટ ઊભું કરી શકે છે.