Advertisement

ઉમરગામમાં ત્રણ માસૂમ બાળકોના મોતથી ચકચાર, માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઉમરગામમાં ત્રણ માસૂમ બાળકોના મોતથી ચકચાર, માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાતના સરહદી વિસ્તાર એવા ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ગૃહકલેશના કારણે એક પરિણીતાએ પોતાના જ ત્રણ માસૂમ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસનો કાફલો તાત્કાલિક ગામે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


9 મહિનાના જુડવા દીકરા અને 3 વર્ષની દીકરીનું કરુણ મોત


પ્રાથમિક માહિતી મુજબ, મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. ચર્ચા મુજબ માતા નિશાબેન સંજયભાઈ હળપતિએ ત્રણેય બાળકોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવ્યો હોવાની આશંકા છે. ત્યારબાદ માતાએ પણ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ નિશાબેનની સ્થિતિ ગંભીર હોવાથી તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


પતિ સાથેના ઝઘડાના આઘાતમાં ભરાયું કથિત પગલું


પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકોના પિતા સંજયભાઈ હળપતિ વહાણમાં નોકરી કરે છે અને થોડા દિવસો પહેલા જ ઘરે પરત ફર્યા હતા. ગઈકાલે સાંજે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાદ રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે. મૃતક બાળકોની ફોઈએ પણ મીડિયા સમક્ષ માતા પર શંકા વ્યક્ત કરી છે.


પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખુલશે સાચું કારણ


ભીલાડ પોલીસ દ્વારા હાલ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે તેમજ FSL ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. બાળકોના મોત પાછળ ઝેરી પદાર્થ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે.

Advertisement