ઉમરેઠ: સોશિયલ મીડિયાનો અતિરેક અને મોબાઈલ સ્ટેટસ જેવી સામાન્ય બાબત ક્યારેક કેવું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે પ્રકાશમાં આવ્યો છે. ગામના ‘નાના મહેલ્લા’ વિસ્તારમાં મોબાઈલમાં વ્હોટ્સએપ સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ સંઘર્ષમાં તલવાર અને લોખંડની ટામી જેવા ઘાતક હથિયારો ઉડતા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની વિગત મુજબ, ધુળેટા ગામના નાના મહેલ્લામાં રહેતા બે પક્ષો વચ્ચે વ્હોટ્સએપ સ્ટેટસને લઈને પહેલા શાબ્દિક બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ જોતજોતામાં વકર્યો હતો અને બંને પક્ષના લોકો તલવાર, લોખંડની પાઈપો અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા. આ હિંસક હુમલામાં એક વ્યક્તિના માથામાં તલવારનો ઊંડો ઘા વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો, જ્યારે અન્ય લોકોને ટામી અને પથ્થરમારાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં ત્રણ પુરુષો અને એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ ઘવાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભારે પથ્થરમારા અને હથિયારો સાથેની આ અથડામણને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઉમરેઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી, હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.