ઉમરેઠમાં સીસી રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ, પાલિકાએ કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારી

ઉમરેઠમાં સીસી રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ, પાલિકાએ કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારી

આણંદ જિલ્લાના ઉમરેઠ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચાલી રહેલા સીસી રોડના કામને લઈને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. વોર્ડ નંબર-2ના ગુજરાતી સિનેમા રોડ પર ચાલી રહેલા રોડ નિર્માણમાં ટેન્ડરની શરતોનું પાલન ન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

સ્થાનિક નાગરિક શૈલેષકુમાર બારોટે સ્થળ પર તપાસ કરી રોડના બાંધકામમાં કેટલીક ખામીઓ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ટેન્ડરની શરતો પ્રમાણે રોડ માટે 12 ઇંચનું ખોદકામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત W.B.M.ના બદલે અન્ય સસ્તા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

રોડના બેઝમાં 4 ઇંચ PCC અને 6 ઇંચ RCCના નિર્ધારિત માપદંડોનું પણ પાલન થયું ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

પાલિકાના એન્જિનિયરે ખામી સ્વીકારી

ફરિયાદ બાદ નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિમેન્ટ રોડના બેઝમાં W.B.M.ના બદલે મંજૂરી વિના અન્ય મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હોવાનું પાલિકા દ્વારા જણાવાયું છે.

આ મામલે નગરપાલિકાના એન્જિનિયરે પણ કામમાં ખામી હોવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા બોરિયાવીની તક્ષ ઇન્ફીનીટી કન્સ્ટ્રક્શન એજન્સીને નોટિસ આપવામાં આવી છે.

3 દિવસમાં ખુલાસો આપવા આદેશ

નગરપાલિકાએ કોન્ટ્રાક્ટર એજન્સીને સમગ્ર મામલે ત્રણ દિવસની અંદર લેખિત ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો રોડનું કામ અટકાવી કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

હવે નગરપાલિકાની તપાસ અને એજન્સી દ્વારા આપવામાં આવનારા ખુલાસા બાદ રોડના બાંધકામ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સ્થાનિકોની નજર છે.