Advertisement

ઉમરેઠમાં મતદાર જાગૃતિ માટે બાઈક રેલી, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી પણ યુવા બાઈકર્સ સાથે જોડાયા

ઉમરેઠમાં મતદાર જાગૃતિ માટે બાઈક રેલી, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી પણ યુવા બાઈકર્સ સાથે જોડાયા

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોમાં જાગૃતિ લાવવા જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ઉમરેઠ શહેરમાં યુવા બાઈકર્સ દ્વારા મતદાર જાગૃતિ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનો શુભારંભ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાંછૂન અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ લીલી ઝંડી બતાવી કર્યો હતો. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.

આ બાઈક રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી પોતે બાઈક ચલાવી યુવા બાઈકર્સ સાથે જોડાયા હતા અને મતદારોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. તેમણે આગામી 23 એપ્રિલે યોજાનાર મતદાનમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. સ્વીપ અભિયાન હેઠળ 8 એપ્રિલથી શરૂ થયેલા આ કાર્યક્રમો 19 એપ્રિલ સુધી ચાલુ રહેશે, જેમાં વિવિધ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement