ઉમરેઠમાં ખેડૂત સાથે ટ્રેક્ટર ભાડે આપવાના મામલે છેતરપિંડીનો આક્ષેપ, SP સમક્ષ રજૂઆત

ઉમરેઠમાં ખેડૂત સાથે ટ્રેક્ટર ભાડે આપવાના મામલે છેતરપિંડીનો આક્ષેપ, SP સમક્ષ રજૂઆત

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અહિમા ગામના ખેડૂતે ટ્રેક્ટર ભાડે આપ્યા બાદ પરત ન મળતા છેતરપિંડી અને ધમકીના આક્ષેપ સાથે આણંદ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે. ખેડૂતનો આક્ષેપ છે કે ભાડે લીધેલા ટ્રેક્ટરને બોગસ દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ગીરો મુકવામાં આવ્યું છે.

અહિમા ગામના વિજયસિંહ અર્જુનસિંહ ચૌહાણે બેંક લોનથી મહિન્દ્રા કંપનીનું GJ-23-CG-9896 નંબરનું ટ્રેક્ટર ખરીદ્યું હતું. 10 જૂન 2025ના રોજ તેમણે ઠાસરા તાલુકાના મહેશભાઈ કાંતિભાઈ પરમારને ટ્રેક્ટર માસિક રૂ.15 હજારના ભાડે આપ્યું હતું.

ખેડૂતના જણાવ્યા મુજબ, શરૂઆતના એક-બે મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ મહેશ પરમારે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ટ્રેક્ટર પરત માંગવામાં આવતા ટ્રેક્ટર પરત ન આપ્યું હોવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બોગસ દસ્તાવેજોથી ટ્રેક્ટર ગીરો મુક્યાનો આક્ષેપ

આ મામલે તપાસ કરતા ટ્રેક્ટરને ખોટા દસ્તાવેજો તૈયાર કરી ગીરો મુકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હોવાનો ખેડૂતનો દાવો છે. ટ્રેક્ટર પરત મેળવવા માટે વિજયસિંહ ચૌહાણે અગાઉ 14 ઓગસ્ટ 2026ના રોજ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.

જોકે, ટ્રેક્ટર હજુ સુધી પરત ન મળતાં ખેડૂતે હવે આણંદ SP કચેરીનો સંપર્ક કર્યો છે. તેમણે મહેશભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ટ્રેક્ટર પરત અપાવવા પોલીસ સમક્ષ માંગ કરી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ આક્ષેપોની હકીકત અને ટ્રેક્ટર અંગેની કાયદેસરની સ્થિતિ સ્પષ્ટ થશે.