Advertisement

ઉમરેઠમાં હોમ વોટિંગની અનોખી પહેલ: 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા કરી રહ્યા છે મતદાન

ઉમરેઠમાં હોમ વોટિંગની અનોખી પહેલ: 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા કરી રહ્યા છે મતદાન

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 85 વર્ષથી વધુ વય ધરાવતા અને 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને મતદાન મથક સુધી આવવાની જરૂર ન પડે તે માટે હોમ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી રહી છે.


ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 105 જેટલા મતદારો, જેમાં 91 વયોવૃદ્ધ અને 14 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે, તેઓએ ઘરે બેઠા મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા નિર્ધારિત ચાર દિવસમાંથી પ્રથમ બે દિવસમાં જ 97 જેટલા મતદારોએ હોમ વોટિંગ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે મતદાર જાગૃતિ માટેનું સકારાત્મક પરિણામ માનવામાં આવી રહ્યું છે.


ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના ઘરે જઈ ખાસ મતદાન વ્યવસ્થા ઉભી કરીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવવામાં આવી રહ્યું છે. આ પહેલથી વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોમાં ખુશી જોવા મળી રહી છે અને તેઓ સરળતાથી મતદાન કરી રહ્યા છે. આ સુવિધા દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહી પ્રક્રિયામાં દરેકનો સમાવેશ થાય તે માટે જિલ્લા તંત્ર સક્રિય રીતે કાર્યરત છે.

Advertisement