આજે બપોરે ઉમરેઠ અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. માત્ર બે મિનિટના તેજ પવન અને વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રકોપને કારણે સરકારી કચેરીઓના પરિસરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને પાર્કિંગમાં ઊભેલી કારોને નુકસાન થયું હતું.
ઉમરેઠ શહેરના વહીવટી વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષો જૂના વૃક્ષો મૂળમાંથી ઉખડી પડ્યા હતા, જેના કારણે કચેરીના કામકાજમાં થોડા સમય માટે અવરોધ સર્જાયો હતો.
આ ઘટનામાં અંદાજે અડધો ડઝન જેટલી કારો વૃક્ષો નીચે દબાઈ ગઈ હતી. વૃક્ષો સીધા કાર પર પડતા વાહનોની છત અને કાચને ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે, ઘટનાસ્થળે કોઈ જાનહાનિ થઈ ન હતી.
વાવાઝોડા અને વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર વૃક્ષો પડવાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. નગરપાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી રસ્તાઓ સાફ કર્યા હતા, જ્યારે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વધી છે.