Advertisement

ઉમરેઠ વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરનાર આરોપીની ધરપકડ, બે ગુનાઓ ડિટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદને સફળતા

ઉમરેઠ વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરનાર આરોપીની ધરપકડ, બે ગુનાઓ ડિટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદને સફળતા

આણંદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરેઠ વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની બે ઘટનાઓનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.


પોલીસ માહિતી મુજબ, રાજ્યકક્ષાના પોલીસ મહાનિર્દેશક અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી.જી. જસાણીના નિર્દેશનમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે એલ.સી.બી. ટીમ સતત કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એલ.સી.બી.ના પો.ઇન્સ. સી.બી. ચૌધરીએ ટીમ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ પ્રેમસિંહ ગુરજીસિંહ તથા હેડ કોન્સ્ટેબલ બહાદુરસંગ વાઘેલાને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કોટીયા ગામનો રહેવાસી વિજયભાઈ જશવંતભાઈ મકવાણા ઉમરેઠ વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલ છે. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી.


આરોપીએ પૂછપરછ દરમિયાન એક વર્ષ અગાઉ ઉમરેઠ પિંપળ રોડ પર આવેલી સોસાયટીમાં તેમજ ઉમરેઠ તાલુકા પંચાયત નજીક આવેલી સોસાયટીમાં મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


ડિટેક્ટ કરાયેલા ગુનાઓની વિગતો


(1) ઉમરેઠ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નં. 11219035230708/2023 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 454, 457, 380 મુજબનો ગુનો શોધવામાં આવ્યો છે.

આ ગુનામાં તા. 22/02/2023થી તા. 24/02/2023 દરમિયાન ઉમરેઠ પિંપળ રોડ પર આવેલી સોસાયટીમાં ઘરફોડ ચોરી કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ અંદાજે રૂ. 3.79 લાખની ચોરી કરવામાં આવી હતી.


(2) ઉમરેઠ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નં. 11219035240933/2024 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 457, 380 મુજબનો ગુનો પણ શોધવામાં આવ્યો છે.

આ ગુનામાં તા. 07/03/2024થી તા. 08/03/2024 દરમિયાન ઉમરેઠ તાલુકા નજીક સર્વમંગલ સોસાયટીમાં મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ અંદાજે રૂ. 4.59 લાખની ચોરી કરવામાં આવી હતી.


ઝડપાયેલ આરોપીનું નામ


વિજયભાઈ જશવંતભાઈ મકવાણા (ઉ.વ. 31), રહે. કોટીયા ગામ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ.


કામગીરી કરનાર પોલીસ ટીમ


આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ. સી.બી. ચૌધરી, પો.સબ ઇન્સ્પેક્ટર એચ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રેમસિંહ, રણવીરસિંહ, બહાદુરસંગ તથા અન્ય પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Advertisement