સામરખા: ઉમરેઠ વિધાનસભાની આગામી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામરખા ખાતે "વિકાસ સંકલ્પ સભા"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારના સમર્થનમાં જોરદાર બેટિંગ કરી હતી. સભાને સંબોધતા હર્ષ સંઘવીએ ડબલ એન્જિન સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને પ્રદેશમાં થયેલા વિકાસકાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે મતદારોને અપીલ કરી હતી કે, ઉમરેઠના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે હર્ષદભાઈ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવી કમળ ખીલવવું અત્યંત જરૂરી છે.
આ પ્રસંગે મંચ પર ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો, જેમાં જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ પટેલ સહિત વિવિધ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને ભાજપના શાસનમાં સુરક્ષા અને સુવિધાના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. સામરખા ખાતે યોજાયેલી આ જંગી સભાને પગલે ચૂંટણી પ્રચારમાં ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે અને કાર્યકરોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે.