આણંદ : ઉમરેઠ તાલુકાના જાખલા ગામના ઠાકોરપુરા વિસ્તારમાં ખેડૂત ઈશ્વરભાઈ ઠાકોરના ખેતર પર 'પ્રાકૃતિક કૃષિ અભિયાન' અંતર્ગત એક વિશેષ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન આપવાનો હતો.
આ સભામાં આત્મા પ્રોજેક્ટ ઉમરેઠના સુરેશભાઈ મહેરીયા અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના કિરણભાઈએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ વધવાનું મુખ્ય કારણ આપણી જીવનશૈલીમાં થયેલો બદલાવ અને કેમિકલયુક્ત ખોરાક છે.
ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્ય માટે હવે કેમિકલયુક્ત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય બની ગઈ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક તેમજ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, દસપર્ણી અર્ક અને અગ્નિઅસ્ત્રના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન જાખલા ગામના કૃષિ સખી પુનમબેન પટેલ, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને શુદ્ધ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક જીવનધોરણ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ રાત્રીસભામાં ગામના સરપંચશ્રી, દૂધ મંડળીના ચેરમેન મંગળભાઈ ભોઈ, પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, ઈશ્વરભાઈ ઠાકોર અને રાવજીભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો સહિત ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો હાજર રહ્યા હતા.