ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પહેલાં યોજાયેલી ભવ્ય જનસભા અને રેલીમાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર કેસરીયા રંગમાં રંગાયો હતો અને ચૂંટણીનો માહોલ વધુ જોરદાર બન્યો હતો.
સભા સ્થળે મુખ્યમંત્રીના આગમન સાથે જ ગગનભેદી સૂત્રોચ્ચાર વચ્ચે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને હર્ષદ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવવા જનતાને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે અને લોકોનો વિશ્વાસ પાર્ટી પર યથાવત છે.
જાહેરસભામાં હર્ષદ પરમારે પણ ભાવુક સંબોધન કરતા મતદારોને આશીર્વાદ આપવા અપીલ કરી હતી. તેમણે પોતાના સ્વર્ગસ્થ પિતાના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કાર્યકરોને એકજુટ રહી મતદાનના દિવસે ભાજપને રેકોર્ડબ્રેક બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.