Advertisement

૧૧૧-ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો: હર્ષદભાઈ પરમારનો ૩૦,૭૪૩ મતોથી ભવ્ય વિજય

૧૧૧-ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો: હર્ષદભાઈ પરમારનો ૩૦,૭૪૩ મતોથી ભવ્ય વિજય

આણંદ:: ગુજરાત વિધાનસભાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૨૩ એપ્રિલ-૨૦૨૬ના રોજ મતદાન યોજાયુ હતું. જેની મતગણતરી આજે બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાઇ હતી. ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું સત્તાવાર પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 


         ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સત્તાવાર રીતે ઉમરેઠ વિધાનસભા બેઠકની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.


          ચૂંટણી તંત્ર તરફથી મળેલ આંકડાકીય માહિતી મુજબ, ૧૧૧-ઉમરેઠ મતવિસ્તારમાં કુલ ૨,૪૫,૭૬૯ મતદારોમાંથી ૧,૪૨,૮૭૭ વેલિડ વોટ્સ (માન્ય મતો) હતા. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારને કુલ ૮૫,૫૦૦ મત મળ્યા, જ્યારે તેમનાથી નજીકના પ્રતિસ્પર્ધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને ૫૪,૭૫૭ મતો મળ્યાં હતાં. આમ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે ૩૦,૭૪૩ મતોની સરસાઈથી ઉમરેઠ વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો છે.


             અન્ય ઉમેદવારોની વાત કરીએ તો, ભારતીય નેશનલ જનતા દળના મૌલિક વિનુભાઈ શાહને ૭૭૩ મત મળ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવારોમાં જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવકને ૪૩૫ મત, નિરૂપાબેન નટવરલાલ મધુને ૬૨૬ મત અને મહેન્દ્રભાઈ નટવરભાઈ પરમારને ૭૮૬ મત  પ્રાપ્ત થયા છે. નોંધનીય છે કે, ૨,૩૩૫ મતદારોએ ‘નોટા’ (NOTA) પર પસંદગી ઉતારી હતી, જ્યારે ૩૩ મતો રિજેક્ટ થયા હોવાનું વિગતોમાં જણાવાયું છે.


             ચૂંટણી અધિકારીશ્રીએ આણંદ ખાતે આજે યોજાયેલ મત ગણતરી બાદ પરિણામની પુષ્ટિ કરતા સત્તાવાર દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિજેતા જાહેર કર્યા છે.

Advertisement