Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી ૨૦૨૬: શ્રમિકો-કર્મચારીઓ રજાના કાપ વગર કરી શકશે મતદાન, તંત્ર દ્વારા સવેતન રજા જાહેર

ઉમરેઠ પેટા ચૂંટણી ૨૦૨૬: શ્રમિકો-કર્મચારીઓ રજાના કાપ વગર કરી શકશે મતદાન, તંત્ર દ્વારા સવેતન રજા જાહેર

આણંદ:: આણંદ જિલ્લાના ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની આગામી પેટા ચૂંટણી અન્વયે તા.૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ પેટા ચૂંટણી-૨૦૨૬ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ મહત્તમ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શ્રમ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્રના સંદર્ભે ૧૧૧-ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ  તા.૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરુવારના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ કામદારો અને મતદારોને મતદાન કરવા માટે સવેતન રજા (Paid Holiday) આપવાની જાહેરાત કરવામાં આવી છે.               

     

૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા તમામ નાના-મોટા ઉદ્યોગો, કારખાનાઓ અને વ્યાપારી એકમોના માલિકો તેમજ સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ પોતાના શ્રમિકો કે કર્મચારીઓના પગારમાં કોઈ પણ જાતનો ઘટાડો કર્યા વિના તેમને મતદાન માટે છૂટ આપવી. સંબંધિત સંસ્થાઓ આ આદેશનું યોગ્ય રીતે પાલન કરે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી લોકશાહીના આ પર્વમાં કોઈ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેમ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.


ઉલ્લેખનીય છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ માં ૧૯૯૬ ના સુધારાથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫-બી ની જોગવાઈઓ અનુસાર, કોઈપણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક એકમ કે અન્ય સંસ્થામાં કામ કરતા અને મતાધિકાર ધરાવતા શ્રમિકોને મતદાનના દિવસે સવેતન રજા મળવાપાત્ર છે. આ સાથે, 'ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ, ૨૦૧૯' મુજબ પણ પરિપત્રની કલમની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ પરિપત્રમાં વિગતે જણાવાયું છે.

Advertisement