Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી પૂર્વે કડક પગલાં: 110 લાઇસન્સવાળા હથિયારો જમા, શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ

ઉમરેઠ પેટા ચૂંટણી પૂર્વે કડક પગલાં: 110 લાઇસન્સવાળા હથિયારો જમા, શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 23 એપ્રિલે મતદાન યોજાનાર હોવાથી મતવિસ્તારમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમરેઠ મતવિસ્તારમાં કુલ 117 લાયસન્સવાળા હથિયારો નોંધાયેલા છે, જેના ધારકોને ચૂંટણી પૂર્વે હથિયારો જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને આજદિન સુધીમાં 110 હથિયાર ધારકો દ્વારા પોતાના હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. બાકીના 7 હથિયારોમાંથી 1 હથિયારનો પરવાનો રદ કરીને તેને પણ જમા કરવામાં આવ્યો છે, જ્યારે 6 હથિયારોને નિયમો મુજબ મુક્તિ (એક્ઝેમ્પશન) આપવામાં આવી છે. આ રીતે તમામ લાયસન્સવાળા હથિયારોની પ્રક્રિયા પૂર્ણ કરીને 100 ટકા અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ કામગીરી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કરવામાં આવી છે. નિયમો અનુસાર હથિયારો જમા કરાવવાની કાર્યવાહીથી મતદારોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની રહી છે અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સક્રિય બની કાર્યરત છે.

Advertisement