ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારુ આયોજન માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આગામી 23 એપ્રિલે યોજાનાર મતદાન પહેલા આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનું ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થાઓ દ્વારા મતદારોને સરળતા રહે અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે સતત કામગીરી ચાલી રહી છે. 01 એપ્રિલથી અત્યાર સુધી 1950 હેલ્પલાઇન પર 69 જેટલી ચૂંટણીલક્ષી ઇન્કવાયરી નોંધાઈ છે, જેમાં મતદાર કાર્ડ સંબંધિત વિવિધ પ્રશ્નોનો સમાવેશ થાય છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણાએ આ ફરીયાદ નિવારણ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે 1950 હેલ્પલાઇન, ટોલ ફ્રી નંબર અને Cvigil પર મળતી ફરિયાદોની માહિતી મેળવી તંત્રની કામગીરીથી વાકેફ થયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે સેન્ટર પર ત્રણ ટીમો દ્વારા 24×7 કામગીરી કરવામાં આવી રહી છે જેથી દરેક ફરિયાદ અને ઇન્કવાયરીનું સમયસર નિરાકરણ આવે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુચારુ વ્યવસ્થા જળવાય તે માટે તંત્ર દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.