ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારુ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આગામી 23 એપ્રિલે યોજાનાર મતદાન પહેલા મતદારોમાં જાગૃતિ વધારવા અને તેમને જરૂરી માહિતી પહોંચે તે માટે બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘેરઘેર જઈને મતદાર માહિતી સ્લીપ (કાપલી) વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા મતદારોને મતદાનની તારીખ, સમય અને સ્થળ અંગે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
આ ચૂંટણી અંતર્ગત ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,45,623 જેટલી મતદાર માહિતી સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના 306 બૂથ લેવલ ઓફિસરો દ્વારા ડોર-ટુ-ડોર જઈને આ સ્લીપ પહોંચાડવામાં આવી રહી છે, જે 17 એપ્રિલ સુધીમાં તમામ મતદારોના ઘરે પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. બારકોડવાળી આ કાપલીમાં મતદારોને તેમના મતદાન મથકનો નકશો સહિતની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે, જેથી તેઓ સરળતાથી પોતાના મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકે.
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ તમામ મતદારોને 23 એપ્રિલના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે મતદાન વખતે મતદાર કાપલી સાથે ચૂંટણી કાર્ડ (EPIC) અથવા ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય અન્ય ફોટો ઓળખકાર્ડ રાખવું ફરજિયાત છે. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ સઘન કામગીરીથી મતદાન પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સરળ બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.