Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી: આવતીકાલે મત ગણતરી, સુરક્ષાના કડક બંદોબસ્ત

ઉમરેઠ પેટા ચૂંટણી: આવતીકાલે મત ગણતરી, સુરક્ષાના કડક બંદોબસ્ત


આણંદ, રવિવાર: આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદ ખાતેના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. તેમણે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ગત તારીખ 23મી એપ્રિલ ના રોજ યોજાયું હતું જેમાં વિધાનસભાના 306 મતદાન મથક ઉપર કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું.


ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તારીખ 04 મે સોમવારના રોજ સવારે 8-00 કલાકે બી જે વી એમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવશે. 


આ ચૂંટણીની મતગણતરી પોસ્ટલ બેલેટની મત ગણતરી થી શરૂઆત કરવામાં આવશે. જેમાં કુલ 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ મળીને કુલ 241 પોસ્ટલ બેલેટની મત ગણતરી થશે. ત્યારબાદ ઇવીએમ માં થયેલ મતદાનની મતગણતરી 14 ટેબલો ઉપર કરવામાં આવશે અને 22 રાઉન્ડના અંતે મત ગણતરી પૂર્ણ થશે. આ મત ગણતરી પૂર્ણ થયા બાદ રેન્ડમલી પાંચ મતદાન મથકોના વિવિ પેટની સ્લીપ્સની ગણતરી કરવામાં આવશે.


ઇવીએમ કાઉન્ટિંગ સ્ટાફમાં 14 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 14 કાઉન્ટિંગ મદદનીશ અને 14 માઈક્રો સુપરવાઇઝર સહિત અંદાજે 700 જેટલા અધિકારી કર્મચારીઓની મતગણતરી ની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે.


જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું કે મત ગણતરી પરિસર ની અંદર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશને રોકવા માટે ત્રિસ્તરીય કોર્ડનિંગ સિસ્ટમ કરવામાં આવી છે. મતગણતરી પરિસર ની આસપાસના 100 મીટરના ઘેરાવવામાં વાહનો લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ લાવી શકાશે નહીં તેમ છતાં જો કોઈ વ્યક્તિ મોબાઇલ લઈને આવે તો મોબાઈલ જમા કરાવવા માટે મોબાઈલ સુવિધા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તેઓએ પોતાનો મોબાઇલ જમા કરાવવાનો રહેશે.

Advertisement