ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાસ કરીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક મતદાતા સરળતાથી અને સુવિધાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવો છે.
આ અભિયાન અંતર્ગત પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી તથા જિલ્લા આયોજન અધિકારી શ્રી એન.જી. પટેલ દ્વારા ઉમરેઠ તાલુકાના 85 વર્ષથી વધુ ઉમરના તેમજ દિવ્યાંગ મતદાતાઓ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમને ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી હોમ વોટિંગ સુવિધા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓને મતદાન પ્રક્રિયા સરળતાથી સમજાઈ શકે અને તેઓ મતદાનમાં સક્રિય ભાગ લઈ શકે.
આ પ્રસંગે અનેક મતદાતાઓએ પોતાના મતાધિકાર પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો. લિંગડા ગામની દિવ્યાંગ દિપીકાબેન સહિત ઉમરેઠના 90 વર્ષથી વધુ ઉમરના વરિષ્ઠ નાગરિકોએ પણ મતદાન મથકે જઈને મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ રીતે વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓમાં પણ લોકશાહી પ્રત્યે જાગૃતિ અને ભાગીદારી વધતી જોવા મળી રહી છે, જે ચૂંટણી તંત્રના પ્રયાસોને સફળતા તરફ દોરી રહી છે.