ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026ને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ચહલપહલ વધી રહી છે. આવનારી 23મી એપ્રિલે મતદાન યોજાનાર હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે હેતુસર વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત 8 એપ્રિલથી 19 એપ્રિલ સુધી દરરોજ વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેંદી અને રંગોળી સ્પર્ધા, યુથ અવેરનેસ ડ્રાઈવ, બાઈક રેલી, સિગ્નેચર કેમ્પેઇન, વોલ પેન્ટિંગ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સાથે જ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે ખાસ મીટિંગ, મહિલા મતદારો માટે જાગૃતિ અભિયાન અને યુવાઓને મતદાન માટે પ્રેરવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આમ, 111 ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને સજાગ અને સક્રિય બનાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સર્જનાત્મક અને અસરકારક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ વધુમાં વધુ મતદાન નોંધાય અને લોકશાહી પ્રત્યે લોકોની ભાગીદારી મજબૂત બને તે છે, જેથી 23 એપ્રિલે યોજાનાર મતદાનમાં મોટી સંખ્યામાં મતદારો જોડાય.