આણંદ, શનિવાર ::આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા. ૨૩મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં લોકશાહીના પાયા સમાન મતદારો, ખાસ કરીને મહિલાઓ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ હેઠળ વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલા મતદારોને કેન્દ્રમાં રાખીને વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભરોડા ખાતે ‘મહિલા મતદાન જાગૃતિ શિબિર’નું આયોજન કરી મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુંદલપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ દ્વારા વિશાળ મતદાતા જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં બેનરો દ્વારા ગામના તમામ મતદારોને ૨૩મી એપ્રિલે મતદાન કરવા પ્રેરિત કરાયા હતા.
મતદાન પ્રક્રિયામાં નૈતિકતા અને જવાબદારીના ભાવને દ્રઢ કરવા માટે ભાલેજ અને પણસોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપસ્થિત મહિલાઓ અને આરોગ્ય કર્મચારીઓએ કોઈપણ પ્રકારના લોભ કે લાલચ વગર અચૂક મતદાન કરવાના સામૂહિક શપથ લીધા હતા.
આ કાર્યક્રમોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, આશા વર્કર્સ અને સ્થાનિક મહિલાઓએ મોટી સંખ્યામાં હાજર રહી લોકશાહીના આ પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.