Advertisement

ઉમરેઠ પંથકમાં શોકની લાગણી: લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નથી રહ્યા

ઉમરેઠ પંથકમાં શોકની લાગણી: લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નથી રહ્યા

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અચાનક અવસાનના સમાચાર મળતા જ સમગ્ર ઉમરેઠ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


ગોવિંદભાઈ પરમાર છેલ્લા બે ટર્મથી ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ જમીન સાથે જોડાયેલા અને લોકપ્રિય નેતા તરીકે જાણીતા હતા. તેમના નિધનના સમાચાર પ્રસરી જતા સ્થાનિક રાજકારણ તેમજ ભાજપ સંગઠનમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.


ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ તેમના અવસાન પર સોશિયલ મીડિયા મારફતે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત પરિવારને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી સાંત્વના પાઠવી હતી.


રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ગોવિંદભાઈ પરમાર પહેલા એક ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેઓ શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCPના નેતા જયંત પટેલ ‘બોસ્કી’ સામે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.


બાદમાં વર્ષ 2017માં તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી, જેમાં તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેમને ફરીથી ઉમેદવાર બનાવતાં તેઓ ફરી એકવાર જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા.

ગોવિંદભાઈ પરમારના અવસાનથી સ્થાનિક રાજકારણ તેમજ ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે. તેમની સાદગી, લોકો સાથેનો સ્નેહ અને વિકાસ માટેની તત્પરતા હંમેશા યાદ રહેશે.

Advertisement