Advertisement

તમિલનાડુમાં 'વિજય' રાજનો પ્રારંભ: CM બનતા જ 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ, 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

તમિલનાડુમાં 'વિજય' રાજનો પ્રારંભ: CM બનતા જ 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ, 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ અભિનેતામાંથી રાજનેતા બનેલા જોસેફ વિજયે પ્રથમ દિવસથી જ આક્રમક અને લોકકલ્યાણકારી નિર્ણયો લઈને વહીવટી તંત્રમાં હલચલ મચાવી દીધી છે. તેમના પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં તેમણે રાજ્યમાં કાર્યરત 717 સરકારી દારૂની દુકાનોને કાયમી તાળા લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દુકાનોને આગામી બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે. હાલમાં રાજ્યમાં કુલ 4,765 દુકાનો પૈકી જે 276 ધાર્મિક સ્થળો પાસે, 186 શાળાઓ પાસે અને 255 બસ સ્ટેન્ડ નજીક છે, તેનો વહીવટ સમેટી લેવામાં આવશે. સામાજિક સુધારા તરફના આ પગલાને જનતા તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે.


દારૂબંધીના કડક નિર્ણયની સાથે મુખ્યમંત્રી વિજયે જનતાને આર્થિક રાહત આપતા ઘરેલુ વપરાશકારો માટે 200 યુનિટ મફત વીજળી આપવાની મહત્વકાંક્ષી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક 'સ્પેશિયલ ફોર્સ'ની રચના કરવાની જાહેરાત કરી છે. નશાના વધતા દૂષણને ડામવા માટે દરેક જિલ્લામાં 'એન્ટી-ડ્રગ્સ યુનિટ' સ્થાપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો છે, જેથી યુવાધનને નશાની ગર્તામાંથી બચાવી શકાય.


રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ અગાઉની સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તમિલનાડુ હાલ 10 લાખ કરોડ રૂપિયાના દેવા હેઠળ છે. આ પારદર્શિતા લાવવા માટે તેમણે વર્ષ 2021 થી 2026 ના સમયગાળાની આર્થિક સ્થિતિ દર્શાવતું 'શ્વેતપત્ર' (White Paper) બહાર પાડવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત જોસેફ વિજયની પાર્ટી 'તમિલગા વે્ટ્રી કઝગમ' (TVK) ના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની છે, જે 120 ધારાસભ્યોના સમર્થન સાથે ટૂંક સમયમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.

Advertisement