તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. વર્ષોથી DMK સાથે ગઠબંધનમાં રહેલી કોંગ્રેસ પાર્ટીએ હવે થલપતિ વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રિ કઝગમ’ (TVK)ને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિજયે સરકાર રચવા માટે કોંગ્રેસ પાસે ટેકો માંગ્યો હતો, જેને કોંગ્રેસે સ્વીકારી લીધો છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યની જનતાએ બિનસાંપ્રદાયિક અને કલ્યાણકારી સરકાર માટે મત આપ્યો છે અને તે જનમતનું સન્માન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસે આ ટેકાના બદલામાં કેબિનેટમાં બે મંત્રી પદ તેમજ કેટલાક સરકારી બોર્ડના અધ્યક્ષ પદોની માંગ કરી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પાર્ટીએ જાહેર કરેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ કર્યું છે કે આ ગઠબંધનનો મુખ્ય હેતુ કોમવાદી તાકાતોને સત્તાથી દૂર રાખવાનો છે અને રાજ્યમાં સામાજિક ન્યાય તથા બંધારણીય મૂલ્યો આધારિત શાસન લાવવાનો છે.
કોંગ્રેસે જણાવ્યું છે કે DMK સરકાર વિરુદ્ધ જનતામાં ભારે અસંતોષ હતો અને તેના કારણે કોંગ્રેસને પણ નુકસાન સહન કરવું પડ્યું. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે હવે ભાજપને તમિલનાડુમાં મજબૂત થવાથી રોકવા માટે તેઓ વિજયની પાર્ટી સાથે મળીને નવી રાજકીય વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે જનતાએ વર્તમાન સરકારને નકારી કાઢી છે.
બીજી તરફ, કોંગ્રેસના આ નિર્ણયથી DMKમાં ભારે રોષ ફેલાયો છે. DMKના નેતાઓએ કોંગ્રેસને “દગાબાજ” અને “પીઠમાં છરો ભોંકનાર” કહીને આકરા પ્રહારો કર્યા છે. DMKનું કહેવું છે કે કોંગ્રેસને મળેલી બેઠકો મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના કારણે જ શક્ય બની હતી. હવે કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતાં બંને પક્ષો વચ્ચેનું વર્ષો જૂનું ગઠબંધન તૂટી ગયું છે.
ચૂંટણીના આંકડા મુજબ TVKએ 108 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસ પાસે 5 બેઠકો છે. બંનેનો આંકડો મળીને 113 થાય છે, પરંતુ સરકાર બનાવવા માટે જરૂરી 118ના બહુમતી આંકડા સુધી પહોંચવા હજુ પણ 5 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. સાથે જ વિજયે બે બેઠકો પરથી જીત મેળવી હોવાથી એક બેઠક છોડવી પડશે, જેના કારણે TVKની સંખ્યા વધુ ઘટી શકે છે. જો પાર્ટી પોતાનો સ્પીકર બનાવે તો મતદાન ક્ષમતા પણ ઓછી થઈ શકે છે, જેથી સરકાર બનાવવાનો રસ્તો હજુ મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે.
રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય ટૂંક સમયમાં રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જો જરૂરી સમર્થન મળી જશે તો 7 મેના રોજ વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.