ચરોતરમાં છેલ્લા 100 વર્ષથી તમાકુની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓ હવે તમાકુ પર લાગતા કરના મુદ્દે સરકાર સમક્ષ પોતાની માંગ ઉઠાવી રહ્યા છે. તમાકુને ‘સીન ગુડ્સ’ની શ્રેણીમાંથી દૂર કરી ખેત પેદાશ તરીકે ગણવામાં આવે તેવી માંગ સાથે ચરોતર તમાકુ વેપારી એસોસિયેશન દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે.
આ મામલે પેટલાદ તાલુકાના જોગણ ગામે ચરોતર તમાકુ વેપારી એસોસિયેશનની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમાકુને ‘સીન ગુડ્સ’ની શ્રેણીમાંથી બાકાત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધવું તે અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
એસોસિયેશનના જણાવ્યા અનુસાર, તમાકુના કુલ વપરાશમાં મેડિસિન અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આશરે 10 ટકા જથ્થાનો ઉપયોગ થાય છે. એસોસિયેશનનો દાવો છે કે તમાકુને ‘સીન ગુડ્સ’ તરીકે ગણવામાં આવતા તેના પર 40 ટકા ટેક્સ અને ખેડૂતો પર 5 ટકા ટેક્સ મળીને કુલ 45 ટકા જેટલો કરબોજ આવે છે.
વેપારીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે દારૂ દ્રાક્ષ અને અનાજ જેવી ખેત પેદાશોમાંથી તૈયાર થાય છે અને તેને અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, તો તમાકુને ખેત પેદાશ તરીકે કેમ ગણવામાં ન આવે?
વરસાદ અને માવઠાથી પાકને અસર
કારોબારી બેઠકમાં ચાલુ વર્ષે વરસાદ અને માવઠાના કારણે તમાકુના પાકની ગુણવત્તા પર પડેલી અસર અંગે પણ ચર્ચા થઈ હતી. એસોસિયેશનના જણાવ્યા મુજબ, પાકની ગુણવત્તામાં બગાડ અને વ્યાપક નુકસાન છતાં વેપારી મંડળોએ એસોસિયેશનની અપીલને ધ્યાનમાં રાખીને ખેડૂતોને શક્ય તેટલો પોષણક્ષમ ભાવ આપીને તમાકુની ખરીદી કરી છે.
70 ટકા પાકનું વેચાણ પૂર્ણ
સપ્ટેમ્બરના અંત સુધીમાં ચરોતરમાં અંદાજે 70 ટકા તમાકુના પાકનું વેચાણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકીના આશરે 30 ટકા પાકને ખેડૂતો દ્વારા વધુ સારા ભાવની આશાએ સંગ્રહિત રાખવામાં આવ્યો છે.
બીજી તરફ, ચરોતર ઉપરાંત ખેડા, મહિસાગર અને વડોદરા જિલ્લાના તમાકુ ઉત્પાદક વિસ્તારોમાં પણ નવી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ વિસ્તારોમાં સરેરાશ 25 ટકા નવી તમાકુ રોપણી પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે.
હવે તમાકુને ‘સીન ગુડ્સ’ની શ્રેણીમાંથી બાકાત કરી તેને ખેત પેદાશ તરીકે ગણવાની વર્ષોથી ચાલી રહેલી માંગ પર સરકાર તરફથી શું નિર્ણય આવે છે, તેના પર વેપારીઓ અને ખેડૂતોની નજર છે.