સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્યમાં રખડતાં કૂતરાની સમસ્યા ઉકેલવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે, પરંતુ આ કામગીરી ફરી એકવાર આંગણવાડી બહેનોના માથે મૂકાતા વિવાદ ઊભો થયો છે. હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાઓની ગણતરી કરી તેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી આંગણવાડી બહેનોને સોંપવામાં આવી છે, જેને લઈને કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે.
સરકારના પરિપત્ર અનુસાર, આંગણવાડી બહેનોને શાળા, કોલેજ, રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ-બગીચા, કમ્યુનિટી હોલ, ગોડાઉન અને આઈટીઆઈ જેવા વિસ્તારોમાં રખડતાં કૂતરાઓની ગણતરી કરવાની રહેશે અને ત્યારબાદ તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવો રહેશે. આ કામગીરીને કારણે પહેલેથી જ કામના ભારણ હેઠળ દબાયેલા કર્મચારીઓમાં નારાજગી વધતી જોવા મળી રહી છે.
આંગણવાડી બહેનોનો આક્ષેપ છે કે, પગાર વધારો કર્યા વગર સરકાર સતત નવા કામો સોંપી રહી છે. અગાઉ પણ તલાટી અને શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ વિરોધ બાદ સરકારે નિર્ણય પરત લીધો હતો. હવે ફરી આ જવાબદારી આંગણવાડી બહેનોને આપવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે.
છેલ્લાં કેટલાક દિવસોથી આંગણવાડી બહેનો હડતાળ પર ઉતરી ગઈ છે અને જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે અને ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો આવનારા સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. હાલ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સરકાર માટે નવી મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.