તલાટી બાગ અને નગરના તળાવો ગંદકીનો અડ્ડો – મનપા લેતી કડક પગલાં
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામોની સાથે સાથે તળાવની સફાઇ અને ઉદ્યાનોની જાળવણીના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યા હતા. જોકે, આ કામગીરીમાં નિયમાનુસાર કાર્યવાહી ન કરનાર બંને કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ્દ કરી, હવે નવી એજન્સીને કામ આપવા માટે મનપાએ રિ - ટેન્ડરીંગની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની એજન્સીને રૂ. 2.70 લાખ પ્રતિ માસ આપીને બગીચાની સફાઇ, તેની જાળવણી અને તેમાં સુવિધાઓ બાબતની ચોક્સાઇ રાખવાની કામગીરી સોંપવામાં આવી હતી. જ્યારે અન્ય એજન્સીને તળાવની સફાઇનું એન્યુઅલી 1.06 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. જેમાં તેણે શહેરના તળાવોમાં થતી કુંભવેલ અને ગંદકીની સફાઇ કરવાની હતી.
જોકે, આ બંને એજન્સીઓની કામગીરી સંતોષકારક ન હોવાથી ટેન્ડર રદ્દ કરવામાં આવ્યા હતા. નડિયાદ શહેરમાં આવેલાં ઉદ્યાનો અને તળાવોની સફાઇ અને જાળવણી માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરીંગ કરીને અમદાવાદની એજન્સીને રૂ.1.33 કરોડના ખર્ચે કામ સોંપવામાં આવ્યું હતું. જોકે, તળાવોની સફાઇ કરવામાંઅને ઉદ્યાનની જાળવણી માટેની કામગીરીમાં પણ એજન્સીએ ધુપ્પલ ચલાવ્યું હોવાનું ધ્યાને આવતાં મનપા દ્વારા આ એજન્સીને પણ ઘર ભેગી કરી કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો છે. હાલમાં શહેરના તળાવોની સફાઇ અને ઉદ્યાનોના મેઇન્ટેનન્સની કામગીરી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ આપવા માટે રિ-ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોટાભાગના ઉદ્યાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા
નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 12 થી વધુ ઉદ્યાનો આવેલાં છે. જેમાંથી શહેરના સૌથી જૂના અને એક સમયે લોકોમાં સૌથી પ્રિય એવા તલાટી બાગની હાલત હાલમાં બદતર બની છે. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલાં અને દારૂ - જુગારીયાઓની અવરજવર આ ઉદ્યાનમાં હોવાથી મહિલાઓ બાળકોને લઇને જઇ શકતી નથી. એક સમયે આ ઉદ્યાનમાં રમતગમતના સાધનો, કેટલાક પ્રાણીઓ, સુંદર લેન્ડસ્કેપ સાથે વોક વે વાળો આ બાગ શહેરમાં સહુથી સમૃદ્ધ બાગ હતો. ગત ચોમાસામાં તલાટી બાગની દિવાલ તૂટ્યા બાદ તેની મરામત પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી.