ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ ભાજપના ‘વિજય વિશ્વાસ સંમેલન’માં એક વિચિત્ર અને ચર્ચાસ્પદ પરિસ્થિતિ સર્જાઈ હતી. વેરાવળ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા ઉમેદવારોના પરિચય માટે મંચ તૈયાર હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે મહિલાઓ ગેરહાજર રહી અને તેમના બદલે તેમના ‘પતિદેવો’ સ્ટેજ પર દેખાયા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી અને પક્ષ માટે અસ્વસ્થ સ્થિતિ ઊભી કરી દીધી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ચૂંટણી વ્યૂહરચના ઘડવાનો અને ઉમેદવારોને કાર્યકરો સમક્ષ રજૂ કરવાનો હતો, પરંતુ જ્યાં મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી ત્યાં તેમના પતિઓ જ હાજર રહેતા સ્થિતિ વિવાદાસ્પદ બની. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ મહિલાઓના બદલે તેમના પતિઓ પોતાના ફોટા મૂકીને મત માંગતા જોવા મળ્યા, જેના કારણે “પ્રોક્સી રાજકારણ”નો માહોલ ઉભો થયો હોવાની ચર્ચા શરૂ થઈ.
આ મામલે મંચ પર હાજર રાજેશ ચુડાસમાએ તરત જ ડેમેજ કંટ્રોલ કરતાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે નારી શક્તિ વંદન અધિનિયમ-2023 મુજબ મહિલાઓને રાજકારણમાં આગળ લાવવાનો પક્ષનો હેતુ છે. તેમણે કહ્યું કે જો મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે તો તેમને મીટિંગ અને પ્રચારમાં આગળ લાવવું જરૂરી છે, નહીં તો પાર્ટી દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે.
આ સાથે ભગવાન બારડએ પણ ‘પતિદેવો’ને ચેતવણી આપતાં કહ્યું કે મહિલા ઉમેદવારોને ગામડાંમાં લઇ જાઓ, લોકોને મળાવો અને તેમને સક્રિય બનાવો. માત્ર પતિઓ આગળ આવીને પ્રચાર કરશે તો પક્ષની છબી ખરાબ થશે અને મતદારોમાં ખોટો સંદેશ જશે. આ સમગ્ર ઘટનાએ દર્શાવ્યું કે મહિલા અનામત હોવા છતાં હકીકતમાં મહિલાઓને રાજકારણમાં આગળ લાવવા માટે હજુ પણ પડકારો યથાવત છે.