બનાસકાંઠા જિલ્લાના થરાદ બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિઓએ વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
“અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી”: AAP જિલ્લા પ્રમુખ
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી.” તેમના જણાવ્યા મુજબ ઉમેદવારના પ્રતિનિધિઓને ચકાસણી પ્રક્રિયામાં અંદર જવા દેવામાં આવતું નથી અને સમગ્ર પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રૂ.50 અને રૂ.300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરાવ્યા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સહકાર આપવામાં આવતો નથી.
પોલીસ ધમકાવતી હોવાનો અપક્ષ સમર્થકોનો આક્ષેપ
કોંગ્રેસના પ્રતિનિધિ અને અપક્ષ ઉમેદવાર સેધાભાઈ અભ્ભાભાઈ ઠાકોરના સમર્થકોએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ થરાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. “પોલીસ અધિકારીઓ ઉમેદવારને પૂછે છે કે તું ચૂંટણી કેમ લડે છે. આ રીતે કાયદા અને લોકશાહીનું સીધું હનન થઈ રહ્યું છે,” તેમ સમર્થકોએ જણાવ્યું.
વહીવટી તંત્રની કામગીરી પર સવાલ
વિપક્ષ અને અપક્ષ ઉમેદવારોના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્ર ભાજપના ઉમેદવારો તરફી કામ કરી રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ફોર્મની ચકાસણી વખતે બિનજરૂરી વિલંબ અને હેરાનગતિ કરવામાં આવે છે, જ્યારે ભાજપના ઉમેદવારોના ફોર્મ સરળતાથી મંજૂર કરવામાં આવે છે.
કાયદાકીય લડતની ચીમકી
પ્રતિનિધિઓએ ચેતવણી આપી હતી કે જો પોલીસ અને વહીવટી તંત્ર પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો નહીં કરે તો તેઓ આ મુદ્દે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે તેમજ બાર કાઉન્સિલમાં પણ રજૂઆત કરશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે થરાદમાં ઉભી થયેલી આ પરિસ્થિતિને કારણે જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વિપક્ષી નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.