Advertisement

૨૦૨૯થી બદલાશે ભારતનું રાજકારણ: મહિલા અનામત પર PM મોદીનો માસ્ટરપ્લાન, સંસદમાં હવે ગુંજશે નારી શક્તિનો અવાજ

૨૦૨૯થી બદલાશે ભારતનું રાજકારણ: મહિલા અનામત પર PM મોદીનો માસ્ટરપ્લાન, સંસદમાં હવે ગુંજશે નારી શક્તિનો અવાજ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'નારી શક્તિ વંદન વિધેયક' (મહિલા અનામત) અંગે દેશને સંબોધતા એક અત્યંત મહત્ત્વપૂર્ણ વીડિયો સંદેશ અને લેખ શેર કર્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો આપણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવાનું સપનું સાકાર કરવું હોય, તો દેશની માતૃશક્તિને તેમના પૂર્ણ સામર્થ્ય સાથે રાષ્ટ્રના વિકાસમાં જોડવી અનિવાર્ય છે. તેમણે પોતાના બે દાયકાથી વધુના શાસનકાળના અનુભવને ટાંકીને ઉમેર્યું હતું કે, મહિલાઓની સક્રિય ભાગીદારી વિના કોઈ પણ રાષ્ટ્ર સર્વાંગી પ્રગતિ સાધી શકતું નથી.


વડાપ્રધાને ૨૦૨૯ની આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટું લક્ષ્ય રાખ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ૨૦૨૯માં સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા પ્રતિનિધિત્વ મળે તે દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આ ઐતિહાસિક પરિવર્તન માટે છેલ્લા કેટલાક સમયથી તમામ રાજકીય પક્ષો સાથે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે અને મોટાભાગના પક્ષોએ આ વિધેયકને પોતાનું સમર્થન આપ્યું છે. પીએમ મોદીએ આ વિષય પર એક વિશેષ લેખ પણ લખ્યો છે અને દેશવાસીઓને તેને વાંચવા તેમજ શેર કરવા વિનંતી કરી છે.


આગામી ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલનો સમય ભારતીય લોકશાહી માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને હૃદયપૂર્વક અપીલ કરી છે કે, આ ત્રણ દિવસ દરમિયાન સંસદમાં મહિલા અનામત વિધેયકને કોઈ પણ જાતના અવરોધ કે વિલંબ વિના પસાર કરવામાં આવે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આ પ્રક્રિયામાં હવે કોઈ વિલંબ થશે, તો તે દેશના વિકાસ અને લોકશાહી માટે કમનસીબ ગણાશે.


અંતમાં, પીએમ મોદીએ જણાવ્યું કે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત એ માત્ર રાજકીય સુધારો નથી, પરંતુ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે. મહિલાઓની ભાગીદારી વધવાથી ભારતની લોકશાહી વધુ મજબૂત, પારદર્શક અને જીવંત બનશે. ૨૦૨૯માં જ્યારે મહિલાઓ મોટી સંખ્યામાં નીતિ-નિર્ધારણની પ્રક્રિયામાં જોડાશે, ત્યારે જ સાચા અર્થમાં દેશની 'તસવીર અને તકદીર' બદલાશે તેવો આશાવાદ પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે.

Advertisement