Advertisement

થાઈરોઈડ કંટ્રોલ કરવા માંગો છો? આ રીતે બદલો તમારી ખાવા-પીવાની આદતો

 આજના સમયે મહિલામાં થાઈરોઈડની સમસ્યા વધી રહી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. થાઈરોઈડ એ ગરદનના આગળના ભાગમાં સ્થિત એક નાની ગ્રંથિ છે, જે શરીરના મેટાબોલિઝ્મને નિયંત્રિત કરતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જ્યારે આ ગ્રંથિ ખૂબ વધારે અથવા વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, ત્યારે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. મહિલાઓમાં હોર્મોનલ ફેરફારો પાછળ તણાવ, અનિયમિત દિનચર્યા, આયોડિનની ઉણપ, ઓટોઈમ્યુન રોગો, આનુવંશિક પરિબળો અને ગર્ભાવસ્થા દરમિયાન થતાં ફેરફારો મુખ્ય કારણો હોઈ શકે છે. આમ, મહિલાઓએ થાઈરોઈડ બાદ શું-શું ન ખાવું અને સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું, તેના વિશે જાણકારી મેળવીએ.


થાઈરોઈડની સમસ્યા થવાથી વજન વધવો કે ઘટવો, થાક લાગવો, વાળ ખરવા, મૂડ સ્વિંગ, અનિયમિત પીરિયડ્સ જેવા લક્ષણ જોવા મળે છે. તેવામાં યોગ્ય સમયે તપાસ અને સંતુલિત લાઈફસ્ટાઈલ જાળવી રાખવી ખૂબ આવશ્યક છે. ખાસ કરીને ખોરાકની સીધી અસર થાઈરોઈડ હોર્મોન પર પડે છે. એટલાં માટે ડાઈટને લઈને સતર્ક રહેવું જરૂરી છે. ચાલો જાણીએ મહિલાને થાઈરોઈડ થયા બાદ કઈ વસ્તુ ખાવી કે નહીં.



થાઈરોઈડ બાદ કઈ વસ્તુ ન ખાવી


મહિલા રોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, થાઈરોઈડની સમસ્યામાં કેટલીક વસ્તુનું સેવન કરવું ટાળવું જોઈએ અથવા તેને સીમિત કરવું જોઈએ. વધારે પ્રોસેસ્ડ ફૂડ, તળેલા ખોરાક અને જંક ફૂડ ટાળવા જોઈએ, કારણ કે તેનાથી વજનમાં વધારો થાય છે અને મેટાબોલિઝ્મને અસર કરે છે. તેમજ વધુ પડતી મીઠાઈઓ અને શુદ્ધ ખાંડ પણ ખાવું હાનિકારક છે. સોયા અને સોયા ઉત્પાદનોનું વધુ માત્રામાં સેવન થાઈરોઈડ દવાઓની અસરકારકતામાં દખલ કરી શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.


કોબી, ફુલાવર અને બ્રોકલી જેવા ક્રુસિફેરસ શાકભાજી મોટા પ્રમાણમાં કાચી ખાવાનું ટાળો, જોકે રાંધેલા શાકભાજીનું સેવન મધ્યમ માત્રામાં કરી શકાય છે. વધુ પડતું કેફીન અને આલ્કોહોલ હોર્મોનલ સંતુલનને બગાડી શકે છે. વધુ પડતું આયોડિનનું સેવન પણ હાનિકારક સાબિત થઈ શકે છે, તેથી સંતુલન જરૂરી છે. કોઈપણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 


શું ખાવુ?


થાઈરોઈડમાં સંતુલિત અને પોષક ડાઈટ લેવું જરૂરી છે. જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, આખા અનાજ અને કઠોળ ફાયદાકારક છે. પ્રોટીન માટે દહીં, ચીઝ, ઈંડા અને કઠોળ ખાઈ શકાશે. પુષ્કળ પાણી પીવાથી અને ફાઇબરયુક્ત ખોરાક ખાવાથી પાચન અને વજન નિયંત્રણમાં મદદ મળે છે.


શું ધ્યાને રાખવું?


થાઈરોઈડની સમસ્યામાં માત્ર દવા જ નહીં, પરંતુ નિયમિત લાઈફસ્ટાઈલ જાળવવી પણ જરૂરી છે. આ સાથે દરરોજ સામાન્ય કસરત અથવા યોગ-ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. ડૉક્ટરે આપેલી દવા લેવી, નિયમિત તપાસ કરાવવું, સ્વાસ્થ્ય માટે સારું સાબિત થશે.

Advertisement