આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશને "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી કુલ 61 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કર્યા છે.
આ પરત કરાયેલા 61 મોબાઈલ ફોનની અંદાજિત કિંમત રૂ. 12,49,877/- છે. આ મોબાઈલ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી CEIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવ્યા હતા.
આ સફળ કામગીરી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણી અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાનગર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહીલ, હેડ કોન્સ્ટેબલ હેમંતકુમાર પ્રભાભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પોતાનો કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો મહત્વનો ડેટા પરત મળતા મૂળ માલિકોએ વિદ્યાનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાન દ્વારા પોલીસે પ્રજામાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરી છે.