અમદાવાદમાં સાયબર ઠગોએ હવે ભણેલા-ગણેલા વર્ગને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપીને ઠગ ટોળકીએ ₹70.65 લાખની છેતરપિંડી આચરી છે. શરૂઆતમાં નફો બતાવી વિશ્વાસ જીત્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી આરોપીઓએ વેબસાઈટ અને આઈડી બદલી નાખી ઠગાઈ કરી હતી.
ફરિયાદ મુજબ, પ્રોફેસરનો સંપર્ક ટેલિગ્રામ પર આવેલી ટ્રેડિંગ જાહેરાત મારફતે ‘સંજના’ નામની વ્યક્તિ સાથે થયો હતો. ઠગોએ લિંક મોકલી આધાર-પાન કાર્ડથી રજીસ્ટ્રેશન કરાવ્યું અને શરૂઆતમાં નફો આપીને વિશ્વાસ જીત્યો. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં તબક્કાવાર મોટી રકમ ટ્રાન્સફર કરાવી કુલ ₹70.65 લાખ પડાવી લેવામાં આવ્યા, જ્યારે વેબસાઈટ પર મોટા નફાનો આભાસ દર્શાવવામાં આવતો હતો.
જ્યારે પ્રોફેસરે નફો અને મૂડી ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ ઈન્કમ ટેક્સના બહાને વધુ રકમ માંગતા શંકા ઊભી થઈ. તપાસ કરતાં ટેલિગ્રામ આઈડી અને વેબસાઈટ બદલાઈ ગયેલી હોવાનું સામે આવ્યું, ત્યારબાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. હાલ પીડિતે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.