તારાપુર તાલુકાના જીચકા ગામે ‘દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન’ દ્વારા ચોથો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ‘લાગણીના વાવેતર’ શીર્ષક હેઠળ આયોજિત આ પ્રસંગે કુલ 115 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં 45 નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. ગોકુળ ડેવલપર્સના વિજયભાઈ માલાભાઈ ભરવાડ પરિવારે આ દીકરીઓનું કન્યાદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી.
આયોજકો દ્વારા નવદંપતીઓને પરંપરાગત કરિયાવર ઉપરાંત કેટલાક વિશેષ ભેટ આપવામાં આવી હતી. માર્ગ અકસ્માતોથી બચવા અને ટ્રાફિક જાગૃતિ લાવવાના હેતુથી તમામ 115 નવયુગલોને હેલ્મેટ ભેટમાં અપાયા હતા.
સનાતન સંસ્કૃતિના જતન માટે દરેક નવયુગલને પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતા અને ચાંદીના તુલસી અર્પણ કરવામાં આવ્યા હતા. માલધારી સમાજની પરંપરા જાળવવા દીકરીઓને ચાંદીની ગાય પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
નવદંપતીઓને સંસાર શરૂ કરવા માટે કુલ 217 નાની-મોટી ઘરવખરીની ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. જેમાં ડબલ બેડ, 3-ડોર કબાટ, સોફા સેટ, ફ્રીઝ, LED TV અને ઘરઘંટી જેવી આવશ્યક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર આયોજનનો ખર્ચ વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં 50 હજારથી વધુ લોકોની જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. ખ્યાતનામ કલાકારો ગોપાલ ભરવાડ, મનીષા ભરવાડ અને મનુબેન ભરવાડે લગ્નગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ ભોકળવા, નીરૂબેન ભરવાડ અને તેમની સમગ્ર ટીમે સઘન જહેમત ઉઠાવી હતી.