તારાપુરમાં નકલી ડોક્ટરોનો પર્દાફાશ, બે ઝડપાયા!
તારાપુર પંથકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બે નકલી ડોક્ટરો સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે.
તારાપુરના પચેગામ અને ખડા ગામમાં SOG, સ્થાનિક પોલીસ અને મેડિકલ ઓફિસરની ટીમે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બંને ઈસમો કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર બનીને એલોપેથિક સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે.
પચેગામમાં દરબારની ડેલી પાસે એક મકાનમાં દરોડો પાડતા મિલટોન ઉર્ફે મિલન સુભાષ માધુ મળી આવ્યો હતો. તેણે ઘરમાં જ દવાખાનું શરૂ કરી દીધું હતું. તેની પાસેથી દવાઓ, ઇન્જેક્શન અને દર્દીઓની તપાસના સાધનો મળી આવ્યા હતા.
પોલીસે ડોક્ટરની ડિગ્રી અને મેડિકલ સર્ટિફિકેટ માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. તપાસમાં તે માત્ર ધોરણ 10 પાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અહીંથી કુલ ₹26,989નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ખાસ વાત એ છે કે આ શખ્સ અગાઉ પણ બે વખત ઝડપાઈ ચૂક્યો હતો, પરંતુ જામીન પર છૂટ્યા બાદ ફરી દવાખાનું શરૂ કરી દીધું હતું.
બીજી તરફ, ખડા ગામના સોલંકી ફળિયામાંથી બલરામ મનોજ હિરા પણ ઝડપાયો છે. તે પણ કોઈ ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક સારવાર કરતો હતો. તેની પાસેથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત ₹11,089નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
બલરામ પણ અગાઉ જુલાઈ મહિનામાં ઝડપાયો હતો અને જામીન પર છૂટ્યા બાદ ફરી ગેરકાયદેસર પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
પોલીસે બંને સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ દવાખાનું ચલાવવા માટે મકાન ભાડે આપનાર મકાનમાલિકો સામે પણ કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
એટલે તારાપુરમાં સવાલ માત્ર નકલી ડોક્ટરોનો નથી… સવાલ એ છે કે ડિગ્રી વગરના આ ‘ડોક્ટરો’ સુધી દર્દીઓ પહોંચતા કેવી રીતે હતા?