Advertisement

તા. 17 થી 31 મે, 2026 દરમિયાન ઓનલાઈન સ્વ-ગણતરી કરી રાષ્ટ્રીય કવાયતમાં જોડાવા જિલ્લાવાસીઓને અનુરોધ

તા. 17 થી 31 મે, 2026 દરમિયાન ઓનલાઈન સ્વ-ગણતરી કરી રાષ્ટ્રીય કવાયતમાં જોડાવા જિલ્લાવાસીઓને અનુરોધ


આણંદ: જનગણના ૨૦૨૭ અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સ્વ-ગણતરી ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરીને વસ્તી ગણતરી ૨૦૨૭ની સ્વ-ગણતરીનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત સહિત આણંદ જિલ્લામાં તા.૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ના નિર્ધારિત ૧૫ દિવસોમાં નગરજનો પોતાની જરૂરી વિગતો જાતે https://se.census.gov.in/ વેબસાઈટ પર ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. જેમાં, મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા થોડી જ મિનીટ્સમાં પોતાના વર્તમાન રહેઠાણ તથા પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાશે.


સ્વગણતરી માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ જમા કરવાની જરૂર રહેશે નહીં. સ્વગણતરી પૂર્ણ થયા બાદ યુનિક એસીઆઇડી પ્રાપ્ત થશે અને ત્યારબાદ ગણતરીદાર નાગરીકના ઘરે મુલાકાતમાં આવે ત્યારે માત્ર એસીઆઇડી દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપી પુર્ણ કરી શકાશે.


નોંધનીય છે કે આ વખતે વસ્તી ગણતરી-૨૦૨૭ સંપૂર્ણપણે પોર્ટલ અને મોબાઇલ આધારિત ડિજિટલ મોડથી કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. 


નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે, તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.


સમગ્ર ગુજરાતમાં આ ગણતરી તા.૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ-ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ તા.૦૧ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવશે.


જનગણના-૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. તેથી દરેક નાગરિકની સાચી અને સંપૂર્ણ માહિતી ભારતના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ છે. 


આ પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી અને સુરક્ષિત છે અને થોડાક સમયમાં સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે. સ્વગણતરી કરવા અંગે કોઈપણ મુઝવણ કે મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર 1855 નંબર પર સંપર્ક કરી મદદ મેળવી શકાશે. 

Advertisement